MOTIVATIONAL STORY.

Talk of the Day Series
_*Motivational Story 18*_

વરસમાં બે-ચાર મહિના આવી જતા વરસાદનું જળ મીઠું કેમ? ને બારેમાસ ઘુઘવતો દરિયો ખારો કેમ? 'કેમ' એ પ્રશ્ન છે, તો 'કેમકે' એ ઉત્તર છે. _*"કેમ કે દરિયો સંગ્રહ કરે છે, ને વરસાદ દેતો રહે છે. માટે જ.. દરિયાના જળ ખારા, ને વરસાદી જળ મીઠા."*_ આવા જ એક વરસાદી મનના યુવાનની આ વાત, આપણી આંખના ખૂણા ભીના કરી જશે. ને કૌટુંબિક જીવન માટે કોઈ નવી જ કેડી કંડારી જશે. *કૌટુંબિક જીવનને મીઠું કરી જતી આ કથા, કુટુંબ બેઠું હોય ત્યારે વાંચજો.*

⛱️ માડી જાયા ત્રણ ભાઈ. *એક જ ગોદીમાં રમીને.. એક જ ગાદીમાં સૂઈને.. એક જ થાળીમાં જમીને.. ને એક જ ચાલીના.. નાના ઘરમાં મોટા થયા.* મોટો 12 વર્ષે સ્કુલ છોડીને દુકાને બેસી ગયો. એની હોંશિયારીએ, પાંચ વર્ષે ઘરનો બંગલો થઇ ગયો. થોડા વરસે બીજો'ય ભાઈ સાથે બેસી ગયો.

⛱️ ઘરે ગાડી ને ગામ બહાર વાડી થઇ ગઈ. એક દિવસ માતા-પિતાએ કહ્યું, *"બેટા! ગાડી ને વાડી થઇ ગઈ. હવે અમારે લાડી જોઈએ. વહુ લાવવી છે."* મોટો કહે, *"હજુ થોડુંક કમાઈ લેવા દો."* પણ માં-બાપ સંસ્કારી ઘરની દીકરીને વહુ તરીકે નક્કી કરી આવ્યા. લગ્ન થયા. ઘરમાં વહુના પગલાથી માતા-પિતા ખૂબ ખુશ.

⛱️ ને પારણું'ય બંધાયું. *દેવકુંવર જેવો દીકરો ઘરે અવતર્યો.* આખો'ય પરિવાર ખુશીમાં છે. ને બીજા છોકરા માટે'ય માંગા આવ્યા, નક્કી થયું. સંસ્કારી ઘરની દીકરી ઘેર આવી. દેરાણી-જેઠાણી સગી બેનની જેમ રહે. *થોડા જ વખતમાં દેરાણીને લક્ષ્મીજી આવ્યા.* આખા'ય ઘરમાં જાણે તુલસી ક્યારો ઉગ્યો.

⛱️ સૌથી નાનો કોલેજમાં આવ્યો. *ત્રણે'ય ભાઈઓનો પ્રેમ ને વહુઓનો સંપ આખા'ય પંથકમાં વખણાય.* નાનાએ કોલેજના વર્ષો પૂરા કર્યા. ને માંગણીની વણઝાર ને મનવાર ચાલુ થઇ ગઈ. *બંને ભાભીઓએ દિયર માટે એક ભણેલી ગણેલી છોકરી પસંદ કરી.* ઘરમાં બધાએ એ ખાનદાની ઘરની દીકરીને વધાવી લીધી. લગ્ન થયા. વરસો વીત્યા. *ઘરમાં ગંગા-જમના ને સરસ્વતીએ પ્રયાગ જેવો માહોલ રચ્યો હતો.*

⛱️ *ત્રણે વહુના આ પ્રેમે ઘરના સંપ અને ઘરડા માં-બાપની શાંતિને અમરત્વનું વરદાન દીધું હતું.* એક દિવસ એક ઓળખીતા મળવા આવ્યા. થોડીક જ વારમાં વહુઓ નાસ્તા-પાણી મુકીને ગઈ. આવનારા ઓળખીતાએ ઔપચારિક વાતો કર્યા પછી કહ્યું, *"કેમ છે? છોકરા-વહુઓ બરાબર સાચવે છે?"*

👉 _વાર્તા વાંચતા જરીક અટકો..._
_*ઘરમાં મળવા આવનારા બધા, દળવા આવનારા હોય એમ નહીં સમજતા. કેટલાક ખાંડવા આવનારા પણ હોય છે! સાવધાની તો સાંભળનારે જ રાખવાની હોય.*_

⛱️ તે વખતે બંને પતિ-પત્ની બોલ્યા, *"ગત ભવે દસે આંગળીએ પ્રભુને પૂજ્યા હશે, ને સદ્ગુરુના આશીર્વાદ છે, કે ઘરમાં ગંગા-જમના ને સરસ્વતી અને રામ-લક્ષ્મણ ને ભરત અવતર્યા છે. અમને હથેળીમાં રાખે છે."* કહેતા-કહેતા બંને Literally રડી પડયા.

⛱️ પેલા ભાઈ કહે, *"બધી વાત બરાબર. પણ.. તમે નહીં હો, એ દિવસ આ લોકો ભેગા રહી શકશે ખરા? છોકરાઓ તો ઠીક પણ આ વહુઓ.. જે જુદે-જુદે ઘરેથી આવી, એ લડશે ને જુદી થશે એના કરતા તમે બેઠા છો ને થઇ જાય તો સારું. તમે જ તમારા હાથે કરી દો તો બસ.."* પેલા ભાઈ તો કહીને ચાલ્યા ગયા.

👉 _*યાદ રહે,*_
કિસાનના ખેતરમાં બાવળિયાના બીજ નાખીને જનારને તો કઈ નહીં, પણ તકલીફ કિસાનને પડવાની, જો ખોદી નહીં કાઢે તો. _*આપણા કાનમાં કોઈ કંઈ નાખી ન જાય... સાવધાન! નહીં તો હેરાન-પરેશાન આપણે જ થશું.*_

⛱️ કોઈ દિવસ નહીં ને આજે આ માં-બાપને વિચાર આવ્યો, *કદાચ આપણે નહીં હોઈએ ત્યારે આ લોકો લડીને જુદા થાય એના કરતા, આપણે આપણા હાથે જ ત્રણેને સરખો ભાગ-હિસ્સો આપીને જુદા કરી દઈએ.* ને એક દિવસ માતા-પિતાએ ત્રણે છોકરાને ને વહુઓને કહ્યું, *"અમારે તમને વાત કરવી છે. તમે રાતે ભેગા થજો."*

⛱️ રાતે બધા ખુશી-ખુશી ભેગા થયા. *બધાને હતું,* માતા-પિતાના મનમાં તીર્થયાત્રાનો ભાવ જાગ્યો હશે. સકુટુંબ-સપરિવાર બધાને લઇ જવાની ઈચ્છા હશે. ચાલો, સાથે-સાથે યાત્રા થશે, ખૂબ આનંદ આવશે.

⛱️ માતા-પિતા બોલ્યા, *"જુઓ અમે હવે ઘરડા થયા. ઘરડું પાન ક્યારે ખરી પડે, કોને ખબર?"* આટલું બોલ્યા ત્યાં તો, વહુઓએ કહ્યું, *"આવું ના બોલો"* ને રડવા માંડી. છોકરાં'ય રડી પડ્યાં. ને બોલ્યા, *"બા-બાપુજી, આવું ના બોલશો."* માતા-પિતા'ય રડ્યાં.

⛱️ ને કહ્યું, *"જુઓ અમારી ઈચ્છા છે. તમે ત્રણે ભાઈઓ રામ-લક્ષ્મણ ને ભરત છો. તમે વહુ બેટા! ગંગા-જમના ને સરસ્વતી છો. અમે બંને ઇચ્છીએ છીએ, આવો જ તમારો પ્રેમ જિંદગી સુધી ટકાવજો. અને એ ટકે માટે અમે વિચાર્યું કે, તમારા ત્રણેના ભાગ પાડી દઈએ."*

⛱️ *"બેટા! ઘણા ઘરોમાં ઝગડા થયા ને જુદા થયા છે. બોલવાના વ્યવહારે'ય રહ્યા નથી. અમે છીએ ને જુદા કરી દઈએ."* ત્રણે છોકરા ને વહુઓ કહે, *"બા બાપુજી! તમને અમારામાં એવું શું દેખાયું કે તમે કોઈ દા'ડો નહીં ને આજે આ વેણ કાઢયા?"* માતા-પિતા કહે, *"બેટા! લાગવાનું તો શું? પણ ક્યારેક તમારું મન દુઃખી થાય ને તમે છૂટા પડો એના કરતા અમે જ કરી દઈએ તો ક્યારેય મનદુઃખનો વારો નહીં આવે."*

⛱️ ત્રણે ભાઈ ને વહુઓ એકસાથે બોલ્યા, *"તમે એની ચિંતા ના કરો. અમે ત્રણે તો સગી બેનો જ છીએ."* એ દિવસે તો ભીની આંખે સૌ છૂટા પડ્યાં, *પણ થોડાક-થોડાક દિવસે માતા-પિતા જુદા થવાની વાત કાઢે જ.* પણ કોઈ એ વાતને પૂરી સાંભળે જ નહીં. એક દિવસ માતા-પિતાએ ફરી વાત છેડી. કોઈએ મચક ન આપી.

⛱️ ને.. *એ સાંજે માતા-પિતા જમ્યા નહિ.* રાત્રે છોકરા ને વહુઓ ઘેરી વળ્યાં, *"કેમ જમવાની ના પાડો છો?"* ખૂબ લાંબી ચર્ચા ચાલી. છેલ્લે માં-બાપે પોતાના સોગંદ આપ્યા, ને કહ્યું, *"તમે જુદા નહીં થાઓ તો અમે જમશું નહિ."* આખી રાત ઘરના વાતાવરણે ઉજાગરો કર્યો. સવારે ફરી ભેગા થયા.

⛱️ *છેલ્લે માતા પિતા ભાગ કરવા બેઠા.* જર-જમીન-ઝવેરાત-દુકાનો આદિ બધાનું List માતા-પિતાએ વાંચ્યું. ને કહ્યું, *"બધાના સરખા ત્રણ ભાગ કરું છું. તમારા મનમાં કંઈ હોય તો બોલી જાઓ."* મોટો કહે, *"મારે કોઈ List જોવું નથી. તમે જે કરો તે બરાબર."* બીજો કહે, *"List નથી જોઈતું. તમે કરો તે મંજૂર."*

⛱️ ત્રીજા નાનાને પૂછ્યું, *"બેટા! List જોઈ લે."* નાનો કહે, *"તમે ભાગ પાડો, તે જ મને મંજૂર નથી."* "તો બેટા! મોટાભાઈ પાડે." *"ના, તે'ય મંજૂર નથી. વચલો પાડે તે'ય મંજૂર નથી."* "તો બહારના સગાને બોલાવું?" *"ના, તે'ય મંજૂર નથી."*

⛱️ *"તો બેટા! જુદા કઈ રીતે કરું? ભાગ તો પાડવો જ પડશે. તમારા ત્રણેનો બાપ, હું ખોટું નહીં કરું."* નાનો દીકરો, *"નહીં બાપુજી, તમે અન્યાય કરશો."* "સગા બાપ પર તને ભરોસો નથી?" નાનો, *"ના બાપુજી, તમે ન્યાયની રીતે ભાગ કરી નહીં શકો."*

⛱️ "તો શું કરવું? રસ્તો શું?" નાનો દીકરો કહે, *"બાપુજી રસ્તો છે. ભાગ હું કરું. મને તમારી પદ્ધતિ પર ભરોસો નથી."* બા-બાપુજી લાચાર આંખોએ ચૂપ થઇ ગયા. ત્યાં જ મોટો દીકરો ને વચલો દીકરો, બંને બોલ્યા, *"બાપુજી, નાનો ભાગ પાડે, એ મને મંજૂર છે."* બે વહુઓ બોલી, *"અમને'ય મંજૂર છે."*

⛱️ બાપુજી, *"નહીં દીકરા, નાનો અંચાઈ કરે તો? તમને ઓછું આપે તો?"* બંને ભાઈ બોલ્યા, *"બાપુજી, ઘી ઢળશે તો ખીચડીમાં જ ને? એ વધારે લેશે તો'ય ઘરમાં જ છે ને?"* પણ બા-બાપુજીએ નાની વહુને કહ્યું, *"બેટા! તું કંઈક સમજાવ. આ ખોટું થઇ રહ્યું છે."* એ વખતે નાની બોલી, *"બાપુજી, ભાગ તો અમે જ પાડશું. તમે પાડો તે અમને મંજૂર નથી."*

⛱️ ઘણી ચર્ચાઓ, ઘણી વિચારણાઓ બા-બાપુજીએ કરી. પણ છેલ્લે બે ભાઈઓ ને વહુઓએ કહ્યું, *"ક્યાં શમ પાછા ખેંચો, ક્યાં નાનો કરે છે તે અમને મંજૂર છે."* આખિર, નાનાને ભાગ પાડવાનું સોંપાયું. માતા-પિતા, ભાઈ-ભાભી બધા બેઠા. *"લે ચાલ, ભાગ પાડ."* નારાજગીના સૂરમાં માતા-પિતાએ નાનાને કહ્યું.

⛱️ નાનો કહે, *"હું પાડું બધાને મંજૂર?"* બંને ભાઈ-ભાભીઓ બોલ્યા, *"મંજૂર છે."* નાનો કહે, *"તો આ કાગળ પર સહી કરી આપો. નાનો જે ભાગ પાડે તે અમને મંજૂર છે."* હસતા-હસતા બંને ભાઈ-ભાભીઓએ એક જ સેકન્ડમાં સહી કરી દીધી. નાના દીકરાએ કાગળ બા-બાપુજીને આપ્યો, *"તમે'ય સહી કરો. બા-બાપુજી, કાલે તમે ફરી ન જાઓ માટે. તમે'ય સહી કરો."*

⛱️ માતા-પિતા, *"તને અમારી પર ભરોસો નથી?"* "ના, તમે ફરી જાઓ તો?" હળાહળ કળિયુગ કહેતા માતા-પિતાએ સહી કરી ને કહ્યું, *"કર, તારે જે કરવું હોય તે. પણ ભગવાનને માથે રાખીને કરજે."* નાના દીકરા વહુએ કહ્યું, *"અમે ભાગ પાડીએ છીએ. હજુ ફરવું હોય તો ફરી જાઓ."* મોટી ને વચલી વહુએ કહ્યું, *"ગાંડી! જે કરવું હોય એ કર."*

⛱️ ને નાના દીકરાએ કહ્યું, *"તો હું ભાગ પાડું છું. આ દુકાનને જમાવનાર-વધારનાર, પોતાની સ્કુલ છોડી ઘરને સદ્ધર બનાવનાર હોય તો મોટાભાઈ છે. આ મિલ્કતમાંથી 50% ભાગ મોટાભાઈનો રહેશે. પછી સખત મહેનત કરી ધંધાનો વિકાસ બીજા નંબરના ભાઈએ કર્યો. માટે એનો ભાગ 32% રહેશે. ને માંડ ત્રણ વર્ષથી દુકાને જનારા મારો ભાગ 18% રહેશે."*

⛱️ નાની વહુ બોલી, *"આ જ પ્રમાણે ભાગ રહેશે."* માતા-પિતા રડવા માંડ્યાં. મોટો ભાઈ કહે, *"મને આ મંજૂર નથી."* વચલો કહે, *"આ અન્યાય છે."* બે વહુઓ કહે, *"અમને મંજૂર નથી."* નાનો ને વહુ કહે, *"બધાએ સહી કરી છે. આ જ પ્રમાણે રહેશે. અમારા બંનેના સોગંદ છે."*

⛱️ મોટો ભાઈ, નાનાને વળગી પડ્યો. બંને વહુઓ નાનીને વળગી પડી. *બધા જ રડતા હતા. માતાપિતા તો હીબકે ચઢયા. ને દીકરાની પાસે દોડી ગયા.* કદાચ સ્વર્ગનો આનંદ આનાથી ચઢિયાતો કે વધુ નહીં હોય.!

_*લોકડાઉનનો આ સમય છે. લાગણીઓ ડાઉન થઇ હોય, તો જરા વિચારજો. લોકડાઉન જો આટલું ભારે પડે છે, તો લાગણીડાઉન જિંદગીને 'ભારે' થી આગળ 'ભારેખમ' પડી શકે, ને ભારે 'જોખમ' ઊભું કરી શકે. આવો, લાગણીને કોરોના લાગે નહીં માટે.. પૈસાથી Quarantine (ક્વોરોન્ટાઈન) રાખીએ.*_

🌙 Good Night
*मोतियों को बिखर जाने की आदत है,*
*लेकिन धागे की जिद्द है, पिरो के रखु!*

✍🏻
Shashtriji bhavnagar 



Comments

Popular posts from this blog

કર્મકાંડી બ્રાહ્મણ મિત્રો ની ટ્રસ્ટ મંડળ ની વાર્ષિક મિટિંગ આયોજન સિહોર ભાવનગર

અષ્ટલક્ષ્મી સ્તોત્ર spritualshastri

मंगल गीतम spritualshastri