વ્રત ની વીધી
*( કોપી પેસ્ટ મેસેજ)*
ધર્મરાજા નું વ્રત – Dharmraja nu Vrat in Gujarati
September 2, 2020 by qreview
વ્રતની વિધિ :
(આ વ્રત છ મહિનાનું છે. પોષ મહિનામાં ઉત્તરાયણના દિવસે આ વ્રત શરૂ કરવું. પ્રાતઃકાળે સ્નાન કરી, પાટલા પર ઘીનો દીવો કરવો પછી ધર્મરાજાની વાર્તા સાંભળવી. વાર્તા દરમિયાન ‘હે ધર્મરાજ, હે ધર્મરાજ’ એમ બોલવું. આ વ્રત મૃત્યુ પછી વૈતરાણી પાર કરવામાં સહાયરૂપ છે. એટલું જ નહીં, આ વ્રત કરનાર જગતમાં કીર્તીને વરે છે.)
વાર્તા :
ત્યાગપુર નામે એક નગરમાં ગરીબદાસ નામે એક અત્યંત ગરીબ બ્રાહ્મણ પત્ની અને ત્રણ સંતાન સાથે રહેતો હતો. બે પુત્ર હતા અને એક બાળ વિધવા દીકરી હતી. ઘરમાં ચારે ખુણે ગરીબાઈ વ્યાપી ગઈ હતી તો પણ બ્રાહ્મણ નિયમ-વ્રતથી જીવતો. રોજ એક અતિથિને જમાડ્યા વગર અન્નનો દાણો મોંમાં ન મૂકવો એવી ટેક લીધી હતી. જો કોઈ અતિથિ ન મળે તો ચકલાને ચણ અને ગાયોને ઘાસ નાખી પછી જ જમવું એવી ટેવ હતી.
બાપની ગરીબીથી ગળે આવીને દીકરાઓ જુવાન થયા . કમાવા માટે પરદેશ ગયા. ઘરમાં બ્રાહ્મણ-બ્રાહ્મણી અને વિધવા દીકરી રહ્યાં. એવામાં ચોમાસું આવ્યું. પ્રભુને આ ગરીબ બ્રાહ્મણની કસોટી કરવાનું મન થયું હોય એમ બાર મેઘ ખાંગા થઈને તૂટી પડયા.
ચારે બાજુ જળ બંબાકાર થઈ ગયો. ભયંકર વરસાદમાં લોકો બહાર પગ દે ખરા? આવા વરસાદમાં આંગણે અતિથિ આવવાની વાત તો દૂર રહી. ચકલુંય ફરકતું ન હતું. ચાર-ચાર દિવસ થઈ ગયા. બ્રાહ્મણ-બ્રાહ્મણી અને એની દીકરી ચારચાર દિવસ સુધી અન્ન લીધા વગર બેસી રહ્યા, પણ સર્જનહાર પર જરાકેય શ્રદ્ધા ઓછી ન થઈ.
“કસોટી કંચનની થાય, કથીરની નહીં.”
ભક્તના આખા કુટુંબને ભુખ્યું તરસ્યું જોઈ ભગવાનથી ન રહેવાયું. ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી હંસ અને હંસલીનું રૂપ ધારણ કરી ઉડતા ઉડતા બ્રાહ્મણના આંગણે આવ્યાં. હંસ અને હંસલીને આંગણે આવેલા જોઈ ત્રણે આનંદમાં આવી ગયા. ઘરમાં જઈ જારના દાણાં લાવી આંગણામાં વેર્યા, પણ હંસ-હંસલી તો દાણા સામું નજરેમ કરતા નથી. ત્રણે નિરાશ થઈ ગયા. બ્રાહ્મણ પુત્રી હાથ જોડીને હંસ-હંસલીને વીનવવા લાગી. ત્યાં હંસને વાચા ફૂટી-
‘હે બ્રાહ્મણ પુત્રી ! અમે તો માનસરોવરના રાજહંસ ક્ષીર અને નીરને જુદા કરનારા. અમને તો સાચા મોતીનો ચારો જોઈએ.’
આ સાંભળી ત્રણે મુંઝાયા. ઘરમાં એક ટંક ખાવાના પણ સાંસા હતા, ત્યાં સાચા મોતી લાવવા ક્યાંથી ? છતાં ગરીબદાસ હિંમત કરીને ઉઘાડા પગે નગરના ઝવેરી પાસે ગયો અને સવાશેર સાચા મોતી માગ્યાં.ઝવેરીના વિસ્મયનો પાર ન રહ્યો. આ ગરીબ બ્રાહ્મણ સાત ભવેય મોતી પાછા આપી શકવાનો ન હતો, એની ઝવેરીને ખાત્રી હતી પણ બ્રાહ્મણની ધર્મ પરાયણતા, નીતિ-નિયમ પર વિશ્વાસ રાખીને એણે સવાશેર સાચા મોતી તોલી દીધા.
મોતી લઈને બ્રાહ્મણ ઘેર આવ્યો. આંગણે સાચા મોતી વેર્યા. હંસ-હંસલી મોતીનો ચારો ચરીને ઉડી ગયા. ચાર દિવસના ઉપવાસ છુટયાં. પારણા કર્યા. પછી દીકરી આંગણું વાળવા લાગી. ત્યાં એની નજર ખુણામાં પડેલા એક મોતી પર પડી. એને મોતી લઈને તુલસી ક્યારામાં મૂકી દીધું.
બીજા દિવસે સવારે બ્રાહ્મણી તુલસીક્યારામાં પાણી રેડવા આવી તો તુલસીની ડાળે ડાળે સાચા મોતીની સેર લટકતી જોઈ. એણે તરત બ્રાહ્મણને વાત કરી. ત્રણે રાજી-રાજી થઈ ગયા. બ્રાહ્મણ.સવાશેર મોતી વીણીને ઝવેરીને પાછા આપી આવ્યો.
ઝવેરી તો આવા પાણીદાર મોતી જોઈને છક થઈ ગયો. એ મોતી માંથી પોતાની દીકરી માટે હાર બનાવ્યો. દીકરી એ હાર પહેરીને રાજાની કુંવરીની સાથે રમવા ગઈ, તો રાજાની કુંવરીએ પણ આવા હારની હઠ કરી.
તેથી રાજાએ ઝવેરીને બોલાવી, આવો જ હાર બનાવવા કહ્યું. ઝવેરી બોલ્યો કે આવા મોતી તો બ્રાહ્મણની પાસે છે, મારી પાસે નથી. રાજાને તપાસ કરાવતા જાણ થઈ કે બ્રાહ્મણના આંગણામાં એક તુલસી કયારામાં ડાળે ડાળે સાચા મોતીની સેરો આવે છે. રાજાની લાલચ જાગી.
એ સૈનિકોને સાથે લઈને બ્રાહ્મણના ઘેર ગયો અને આખો તુલસી ક્યારો ઉપાડી લેવા જેવા હાથ લગાવ્યાં, એવાજ એના હાથ ચોંટી ગયા.
આ જોઈ રાજપંડિત બોલ્યા- “હે રાજન! આ બ્રાહ્મણના ઘરનો તુલસી ક્યારો છે. એની ભક્તિના પ્રતાપે જ સાચા મોતી પાકે છે. એની માફી માંગો તોજ તમારા હાથ છૂટશે.”
રાજાએ બ્રાહ્મણની માફી માગી તો એના હાથ છૂટયા . બ્રાહ્મણ-બ્રાહ્મણી અને વિધવા પુત્રી સુખેથી રહેવા લાગ્યા. અન્નદાન કરતા, દાન-પુણ્ય કરતા. થોડા વર્ષો પછી પરદેશ કમાવા ગયેલા પુત્રો પાછા આવ્યાં. બ્રાહ્મણે બન્ને પુત્રોને પોતાની બહેનને માલ-મિલ્કતમાં ત્રીજો ભાગ આપવાની સુચના આપી. એ પછી થોડા દિવસે બ્રાહ્મણ બ્રાહ્મણી પરલોક સિધાવ્યાં.
બન્ને પુત્રો ધામધુમથી પરણ્યાં. વહુઓ સાથે રંગરાગમાં મા-બાપની ટેક વીસરાઈ ગઈ. પણ પુત્રી અતિથિને જમાડયાં પછી જ જમતી. વહુઓની કાન ભંભેરણીથી ભાઈઓએ બહેનને ત્રીજો ભાગ આપવાનું બંધ કર્યું અને એને જુદી કાઢી. થોડા સમયે બહેન ગુજરી ગઈ. એના મૃત્યુના સમાચાર સાંભળી ભાઈ-ભાભી દેખાવ ખાતર રડયા અને બહેનને અંતિમ સંસ્કાર માટે સ્મશાન લઈ ગયા.
બહેનનો આત્મા ઘણો પુણ્યશાળી હતો. ગાયના દાનના પ્રતાપે એ પલકારે વૈતરણી તરી ગઈ. જોડાના દાનના પ્રતાપે કાંટાળા વન પાર કર્યા. છત્રીના દાને વરસતી લુથી બચાવી. અન્નદાનના પ્રતાપે ભૂખના દુઃખ ન વેઠવા પડયા. વસ્ત્રદાનના પ્રતાપે લોખંડના ધગધગતા થાંભલાથી બચી.
આમ સર્વ વિઘ્નો ઓળંગી ધર્મરાજાના દરબારમાં પહોંચી ત્યારે ધર્મરાજા કહેવા લાગ્યા –
“દીકરી ! તે અઢળક પુણ્ય સંચિત કર્યું છે પણ તે મારું વ્રત કર્યું નથી. તેથી તારે પૃથ્વી પર પાછા જવું પડશે.”
“હે ધર્મરાજા ! તમારા વ્રતની વિધિ મને કહો.”
‘મારું વ્રત છ મહિનાનું છે. ઉત્તરાયણના દિવસે વ્રત શરૂ કરવું. સ્નાન કરી શુદ્ધ થઈ પાટલા પર મારા નામનો ઘીનો દીવો કરવો. હાથમાં ચોખા લઈ મારું સ્મરણ કંરતા – કરતા વાર્તા સાંભળવી. છ માસે ઉજવણું કરવું. એ વખતે વાંસનો સુંડલો લેવો. એમાં સવાશેર મોતી, સવાશેર જુવાર, સવાશેરની નૌકા, નિસરણી, કોરા વાંસનો ટૂકડો, કપડાંની જોડ અને મારાં પ્રતિકરૂપ સોના-રૂપાની બે મૂર્તિ એ છે.બધું મૂકી સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવું.
આટલા બધાની શક્તિ ન હોય તો યથાશક્તિ દાન કરવું. પછી સવાશેર ઘઉંનો લોટ લઈ તેની સુખડી બનાવવી. એના ચાર ભાગ કરવા. એક ભાગ રમતા બાળકને, બીજો ભાગ ગાયના ગોવાળને, ત્રીજો ભાગ ફરતા પંડિતને આપવો અને ચોથો ભાગ વ્રત કરનારે ખાવો.’
બહેને તરત આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો.
આ બાજુ સ્મશાનમાં ચિતાને આગ ચાંપવાની તૈયારી થતી હતી ત્યાંજ લક્ષ્મીદેવી ડોશી રૂપે ત્યાં પહોંચ્યા અને બોલ્યાં –
“મારે દીકરીનું મુખ જોવું છે’ આમ કહી જયાં એના પર નજર કરી ત્યાં તો બહેન સજીવન થઈ. બધાં ફાટી આંખે તાકી રહ્યાં, પછી ભાઈઓએ બહેનને ઘેર આવવા કહ્યું પણ એને ના પાડી. એ તો ડોશીને લઈને પોતાના ઘેર આવી. એમ કરતા ઉત્તરાયણ આવીબહેને ધર્મરાજનું વ્રત લીધું. છ મહીને ઉજવણું કર્યું. એ વખતે ડોશી બોલ્યાં
“દીકરી ! હવે તો તને ધર્મરાજાના દૂતો લેવા આવશે. તું તો સ્વર્ગ જઈશ.”
ત્યારે બહેન બોલી-
‘મા, હું તમને પણ મારી સાથે જ લઈ જઈશ.’
થોડા દિવસ પછી ધર્મરાજાના દૂતો એને લેવા આવ્યાં. બહેને પહેલા ડોશીને વિમાનમાં બેસાડ્યા પછી પોતે બેઠી. સ્વર્ગમાં આવતાં જ કંકુના પગલા પડયા, ઝગમગતા દીવડા પ્રગટ્યા, મોતીના સાથીયા પુરાયા. આમ બહેનને ધર્મરાજાનું વ્રત ફળ્યું અને સ્વર્ગમાં સ્થાન મળ્યું.
“હે ધર્મરાજા ! જે કોઈ શ્રદ્ધા ભક્તિથી તમારું વ્રત કરે, એના પર અમીદ્રષ્ટિ રાખી એને સ્વર્ગમાં સ્થાન આપજો.”
| જય ધર્મરાજા. |
🌺🌷🌺♈♈🌺🌷🌺
Comments