“ટેન કમાન્ડમેન્ટ
એક પત્રકાર તરીકે “ટેન કમાન્ડમેન્ટ” આપેલા! શકય છે કે કોઈને ઉપયોગી નીવડે એટલે અહીં મુકું છું.
1. લોકોને સમાચાર આપવા, ખુદ સમાચાર બનવાની કોશિષ કરવી નહીં
પત્રકારત્વ પામવાની નહીં આપવાની કલા છે.એક પ્રકારના અનાસક્તિ યોગની સાધના છે. પોલિટીકલ બીટ કરતો પત્રકાર જયારે એમ માનવા માંડે કે એની પાસે મુખ્યમંત્રી જેટલો પાવર આવી ગયો છે કે ક્રાઈમ રીપોર્ટીંગ કરતો પત્રકાર કોઈ ડોનની એટલી નજીક પહોંચી જાય કે ખુદને જ “મુંબઈ કા કીંગ ભીકુ મ્હાત્રે’ માનવા માંડે ત્યારે એના ઘોર પતનની શરૂઆત થઈ જતી હોય છે. “એ તો આપણે લખેલી સ્ટોરીના કારણે સરકાર ઉથલી ગઈ” એવો કેફ પત્રકાર માટે હેરોઈનના નશા કરતાં પણ વધુ ખતરનાક છે. મિત્રોને મળતી વખતે અને રોજ સાંજે કે રાતે ઘરમાં દાખલ થતી વખતે કપડાં પર લાગેલી ધૂળ અને કોઈના સંપર્કથી મગજમાં આવેલી પાવરની રાઈ ખંખેરી નાંખવી. એ રાઈ અને એ ધૂળ બંને સરખા જ નકામા છે પણ સરખા જ ઘાતક છે. કયારેક તમે લખેલી સ્ટોરીમાં રહેલા કોઈક સત્યને કારણે કોઈક પરીવર્તન આવતું હોય છે પણ અગત્યનું તમારી સ્ટોરીમાં રહેલું સત્ય હોય છે પત્રકાર નહીં . જયાં સુધી સત્ય માટે તમારી કલમ આસન બને કે વાહક બને ત્યાં સુધી જ પત્રકારની કિંમત રહે છે બાકી જયારે તમારી કલમ સત્ય પર સવાર થઈ જાય કે સત્યનો દુરુપયોગ કરવા માંડે ત્યારે પત્રકારત્વ મરી જાય છે. જયારે સમાચાર આપનાર કોઈક સત્તાના કોઈક આભાસી નશામાં ખુદ જ સમાચાર બની જાય પછી એની પાસે વિકટીમ કાર્ડ રમ્યા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી!
2. જ્ઞાનનું વટવૃક્ષ બનવું પ્રસિધ્ધિની અમરવેલ નહીં
સોશિયલ મીડીયામાં હમણાં અમરવેલોનો રાફડો ફાટયો છે, જે કોઈ પણ વિવાદ પર, કોઈ પણ પ્રકારના જ્ઞાન વિના તદ્ન ફાલતુ પ્રકારના વિચારો ઠાલવી દે છે એમનો એક માત્ર ઉદ્દેશ કોઈની ચિતા પર કે કોઈની ચિંતા પર પોતાની પ્રસિધ્ધિની ભાખરી શેકી લેવાનો હોય છે. અમર વેલ અને વટવૃક્ષ વચ્ચેનો ફરક એ હોય છે કે અમરવેલને મૂળીયા હોતા નથી, એટલે આખી જિંદગી પરોપજીવી જ રહે છે . પત્રકાર અને આવી ‘અમરવેલ’ વચ્ચે ફરક હોવો જોઈએ! પત્રકારની કસોટી એનાથી નથી થતી કે એની પ્રસિધ્ધિ કેટલી ઉંચી છે કે એની આળખાણ કેટલી ઉંચી છે, પત્રકારનું આખરી મૂલ્યાંકન એ પરથી થાય છે કે એના જ્ઞાનના મૂળિયા કેટલાં ઉંડા છે. જયારે કોઈ વિષય પર એક પાનું ભરીને લખવું હોય ત્યારે સૌથી પહેલાં પહેલાં પોતાને પ્રશ્ન કરજે કે એ વિષયને લગતા ઓછામાં ઓછા ૬૦ પાના વાંચ્યા છે ખરા? એ વિષય પરઓછામાં ઓછા ૬૦ પાના વાંચી લે એ પહેલાં લખવા માટે પેન ખોલતો નહીં. જો તમારી પાસે એકાદ બે બાબતો પર અભ્યાસ બાદનો અભિપ્રાય હોય તો તમે જ્ઞાની હોઈ શકો છો પણ જો તમારી પાસે દરેક બાબત પર અભિપ્રાય છે તો તમે મૂર્ખ છો એ યાદ રાખવું.
3. ધારદાર માણસ બનવું , કલમ આપોઆપ ધારદાર બની જશે!
ધાર સાથે તકલીફ એ છે કે એને સતત પથ્થર પર ઘસાતા રહેવું પડે છે, જયારે ધાર મખમલના કવરના કમ્ફર્ટ ઝોનમાં આવી જાય એટલે એના બુઠ્ઠા થવાની શરૂઆત થાય છે, બુઠ્ઠા માણસોના હાથમાં રહેલી તથાકથિત ધારદાર કલમો પત્રકારત્વનું સૌથી મોટી કમનસીબી છે. પત્રકારે હર રોજ, હર ક્ષણ પોતાની જાતને ધાર કાઢતા રહેવી જરૂરી છે, કોઈ અભિપ્રાય આપતાં પહેલાં પ્રશ્નોના પથ્થર પર સતત ઘસતા રહેવું પડે છે. જયારે પત્રકારે ખુદને પ્રશ્નો કરવાનું બંધ કરી દે છે ત્યારે વાચક એને પ્રશ્નો કરવાનું શરૂ કરી દે છે અને પછી પત્રકાર પાસે કોઈ જવાબ રહેતા નથી! ડોકટરના સ્કાલપેલને એટલી જ ધાર હોય છે જેટલી ગુંડાની છરીને હોય છે, તમારી કલમની ધાર સર્જરી કરી રહી છે કે કોઈ નિર્દોષને જીવલેણ ઘા મારી રહી છે એ સતત ચેક કરતા રહેવું જોઈએ
4. તમાશા-એે-એહલેકરમ જોવા ફકીર બનવાની તૈયારી રાખવી, રાજા સત્ય જોઈ શકતો નથી.
દુનિયા જેમને નાના માણસો ગણે છે એમની પાસે મોટા સમાચાર હોય છે અને દુનિયા જેમને મોટા માણસો ગણે છે એમની પાસે નાની નાની જાહેરાતો હોય છે! ઓફિસના પટાવાળાઓ, અધિકારી-નેતાઓના ડ્રાઈવરો, સામાન્ય ઘરોમાં, ઝૂંપડામાં રહેતા લોકો પાસે સત્ય હોય છે, એસી ચેમ્બરોમાં વસવાટ કરતાં લોકો પાસે માન્યતાઓ હોય છે. પત્રકારત્વ માટે એક ખ્યાતનામ ઉક્તિ છે, “ News is someone somewhere want to suppress, rest are advertisement”. સમાચાર કયાંથી મળશે અને પ્રસિધ્ધિ માટેની જાહેરાતો કયાંથી મળશે એ સમજી લેવાથી પત્રકારત્વ આસાન બની જાય છે!
ફિલ્ડમાં કામ કરતા પત્રકારને નાના માણસો સાથે દોસ્તી કરતાં આવડવી જોઈએ, દોસ્તીની પૂર્વ શરત એ છે કે જેની સાથે દોસ્તી કરો એની પૂરી સમજણ હોવી જોઈએ! આ સમજણ માટે ફકીરીનો એટીટયૂડ રાખવો કેમકે ફકીરો સત્ય જોઈ શકે છે, રાજા સત્ય જોઈ શકતો નથી.
5. ઈન્ટરવ્યૂ તમારી પ્રસિધ્ધિ માટે લેવા નહીં , લોકોના પ્રશ્નો પુછી શકો એ માટે લેવા
ઈન્ટરવ્યૂ લેવા એ કલા છે જે તમામને આવડતી નથી. ઇન્ટરવ્યૂ દાનમાં લેવાની ચીજ નથી કે ભીખમાં લેવાની વસ્તુ નથી. અમિતાભનો કે શાહરુખનો ઈન્ટરવ્યૂ લેતી વખતે એમની આભામાં આવી જવું હોય તો બહેતર છે કે એમનું એકાદું હીટ “પિચ્ચર” જોઈ નાંખવું, એમની આંખોમાં આંખ નાખીને રેખા વિશે કે આર્યનના ડ્રગ્સ વિશે પ્રશ્નો પૂછવાની તાકત હોય તો જ એમના ઈન્ટરવ્યૂ લેવા! કેટલાંક ઈન્ટરવ્યૂ બાજ પત્રકારો એમ માનવા માંડે છે કે એ લોકો જેમના ઈન્ટરવ્યૂ લે છે એટલાજ પોતે પણ પ્રસિધ્ધ બની જાય છે! આ બાબતથી દૂર રહેવું. ઈન્ટરવ્યૂ લોકોના પ્રશ્નો માટે લેવાના હોય છે, પત્રકારની ઓળખાણ મજબૂત કરવા લેવાના હોતા નથી! જો સાંભળવાની કલા તમારામાં વિકસી ન હોય તો ઈન્ટરવ્યૂ લેવા બેસાય નહીં. જો તમારો ઇન્ટરવ્યૂ એક સામાચાર ના બને તો એ માત્ર સમયનો બગાડ છે અને તમારા માટે તમારો સમય કિંમતી હોય કે નહીં જે તમને ઇન્ટરવ્યૂ આપી રહ્યો છે એમનો સમય કિંમતી છે એનું ભાન રાખવું. જો તમે “ ઈન્ટરવ્યૂ જીવી” પત્રકાર છો તો તમે સાચા પત્રકાર નથી!
6. ‘સિસ્ટમ’ની શક્તિનું ભાન રાખવું પણ સિસ્ટમથી ડરવું નહીં.
સિસ્ટમ કે સરકાર સામે એકાદી જોરદાર સ્ટોરી લખી નાંખીને આપણે સિસ્ટમ કે સરકાર કરતાં વધુ શકિતશાળી બની ગયા છીએ એવા વહેમમાં રાચવું નહી. સિસ્ટમ એકાદી સ્ટોરીથી બદલાતી નથી કે નબળી પડી જતી નથી. કોઈ સમાચાર પાછળ રહેલું સેંકડો, હજારો, લાખો વાચકોનું સમર્થન જ સિસ્ટમને ઝૂકાવે છે એ યાદ રાખવું . પત્રકારનો ધર્મ સમાચાર આપવાનો છે, યુધ્ધમાં ઉતરવાનો નથી, પત્રકારત્વ અને પક્ષકારત્વ વચ્ચે ફરક છે અને કોઈ પણ સમાચાર લખતાં પહેલાં એ ફરક તમને ખબર હોવી જોઈએ! માથાભારે પત્રકારોના ફોન ટેપ થતાં જ હોય છે, એમની પર વોચ રખાતી જ હોય છે, પ્રાઈવસીની બહુ ફિકર હોય કે સિસ્ટમનો બહુ ડર હોય તો બીજી કોઈ નોકરી કરી લેવી, પેનથી માત્ર પત્રકારત્વ થતું નથી બીજા પણ નોકરી-પેશા છે જ! પત્રકારને સમાચાર મેળવવા જેટલી માહિતીની જરૂર હોય છે એના કરતાં લાખો ગણા વધુ માહિતીની જરૂર નેતાઓ સત્તા ટકાવવા જોઈતી હોય છે અને સરકાર પાસે માહિતી મેળવવાના સાચા ખોટા અનેક રસ્તા હોય જ છે!
7. त्येन त्यकतेन भुंजिथा
ત્યજવું એ પત્રકારત્વની પૂર્વશરત છે. તમારી અંગત માન્યતાઓ, અંગત પૂર્વગ્રહો ત્યજી દીધા પછી જ પત્રકારત્વ શરૂ થાય છે પત્રકારત્વ સ્વને વ્યકત કરવાની મોકળાશ નથી, લોકોને વાચા આપવાની સાધના છે, એટલે પત્રકારત્વમાં તમે શું માનો છો એ અગત્યનું નથી લોકો શું માને છે એ અગત્યનું છે. આ “લોકો” એટલે તારું કુટુંબ કે માત્ર તમારા મિત્રો નહી લોકો એટલે વાચકો! જે લાખોની સંખ્યામાં હોય છે, એમની પાસે જવું પડે છે એમને સાંભળવા પડે છે! જેમ જેમ પત્રકારોનો અનુભવ વધતો જાય છે એમ એમ પત્રકારોના કાન બહેરા થતા જાય છે, લોકોને સાંભળવાની શકિત ગુમાવતા જાય છે. સરવાળે લોકોથી દૂર થઈ જાય છે! દસ- પંદર વર્ષ પહેલાં અકસ્માતે એમનાથી થઈ ગયેલી કોઈ સ્ટોરીથી એમની વાત શરૂ થાય છે અને મને જોઈએ એવી તક અપાઈ જ નહીં જેવી ફરિયાદોથી પુરી થાય છે! સતત સાંભળતા રહેવા માટે, સતત શીખતા રહેવા માટે જેનો જેનો ત્યાગ કરવો પડે, ખુશીથી કરવો!
8. વાચન હશે તો વાચક મળશે
તમારા પત્રકારત્વમાં આવતા પહેલાં પણ દુનિયા હતી, તમે પત્રકારત્વ પુરું કરશો પછી પણ હશે જ! આ દુનિયા શું છે, કેમ હતી અને કેમ રહેવાની છે એના પ્રશ્નો શું હતા, શું છે અને શું રહેવાના છે એ જાણવા સતત વાંચતા રહેવું. તમારા લખેલો એક શબ્દ પણ જયારે લાખો લોકો વાંચવાના હોય તો એ શબ્દ લખતાં પહેલા તમારું વાંચન લાખ શબ્દનું હોવું જરૂરી છે. જેટલું વાંચન હશે એટલી જ્ઞાન, માહિતી અને ભાષાની સમૃધ્ધિ આવશે. સામાન્ય રીતે વાચકો પત્રકારો પાસેથી સેકસથી માંડી સેન્સેકસ સુધીના તમામ જ્ઞાનની અપેક્ષા રાખે છે જે વિશાળ વાચન વિના શકય નથી. નબળો વાચક એક ખરાબ પત્રકાર બને છે અને એક ખરાબ પત્રકાર લાખો નબળા વાચકોને જન્મ આપે છે!
9. रेखते के तुम ही उस्ताद नहीं हो गालिब, कहेते है तुमसे पहेले भी कोइ मीर था
પત્રકારત્વ કલાસરૂમમાં શીખવી શકાય એવો કસબ નથી, કલાસરૂમોમાં જેમને ભણાવવાનો સમય મળી રહે છે એવા પત્રકારોમાં એકાદ બે અપવાદોને બાદ કરતાં મોટોભાગના કાં તો નિષ્ફળ અથવા નિવૃત્ત પત્રકારો હોય છે!
બળેલા માનવ માંસની ગંધ,
મૃતદેહો જોઈ સ્વજનોની આંખમાંથી વણથંભ્યા વહેતા આંસુ,
ટિયર ગેસના શેલની ચહેરા પર થતી જલન,
લોકોના પૈસૈથી થતા સરકારી જલસામાં થઈ આવતી ઘૂટન,
સિસ્ટમના યક્રવ્યૂહમાં ફસાયેલાઓનો અસહાય આક્રોશ… આ પત્રકારત્વના શિક્ષકો છે! પત્રકારત્વમાં ઝડપથી શીખવું હોય તો જૂના, અનુભવી પત્રકારો પાસેથી એમણે કરેલી સ્ટોરી વિશે ખોદી ખોદીને પુછવું, જે માહિતીનો ધોધ વહે એમાંથી આત્મશ્લાઘાની માટી કાઢી નાંખો પછી જે બચે એ નક્કર સોનું હોય છે! ઓ સોનું તમારી પાસે જેટલું વધુ એટલી તમારી પ્રગતિ પાકી.
10. સવાલ સાત મિનિટનો છે ભૂલાઈ જતાં શીખી લેવું!
તમારું પત્રકારત્વ એ કોઈ ધર્મગ્રંથી વાણી નથી કે જે પથ્થરની લકીર હોય, વાચકને તમે લખેલા સમાચારને વાંચતા સાત મિનિટ પણ થતી નથી અને તમે લખેલામાંથી ૯૦ ટકા સમાચારો વાચકો ૧૦ મિનિટમાં ભૂલી ચૂકયા હોય છે એટલે મહાન, ક્રાંતિકારી પત્રકાર હોવાના ફાંકા રાખવા નહીં પત્રકારત્વ એક પ્રામાણિક નોકરીની જેમ કરવું , ક્રાંતિ કરવી હોય તો બીજો રસ્તો લેવો! એક કહેવત છે કે Old soldies never die they just fade away. જો તમે સત્યના સૈનિક બનવા માંગતા હોય તો આ fade away વાળું યાદ રાખીને ભૂંસાઈ જવાની તૈયારી રાખવી જેથી મગજ ઠેકાણે રહેશે! પત્રકારની નોકરી ૩૦-૩૫ વર્ષની હોય છે એટલા સમયમાં જો સરકારો પૂર્ણ સમય રહે તો પણ સાત જેટલા મુખ્યમંત્રીઓને જનતા બદલી વાંખતી હોય છે, તમારી એક સ્ટોરી એટલી મોટી હોય કે એનાથી કોઈ મુખ્યમંત્રી બદલાઈ પણ ગયા હોય તો પણ પછીની પેઢીઓને એની બહુ દરકાર રહેતી નથી! એટલે કાગળો પરથી અક્ષરો ભૂંસાય એ પહેલાં ભૂંસાઈ જવાની તૈયારી રાખવી અને બીજા દિવસે ફરી વાચકની સમાચાર વાયનની સાત મિનિટ માટે સજ્જ થઈ જવું! પત્રકારત્વ જેટલી ગરૂડ જેવી તીક્ષ્ણ દ્રષ્ટિ જોઈએ એટલીજ ફિનિકસ પક્ષી જેટલી શકિત જોઈએ,રોજ તમને તમારી જ રાખ કરવાની ફાવટ જોઈએ અને બીજે દિવસે એ રાખમાંથી પોતાનું પુન:સર્જન કરવાની આવડત જોઈએ! . .વિપુલ શશીકાંત દવે પત્રકાર સ્ટ્રીટ ન્યુઝ આ લેખ મારો લખેલો નથી આભાર
Comments