रुद्री पाठ अभ्यास

*🙏 રુદ્રી 🙏*
રુદ્રીનાં આઠ અધ્યાય હોવાથી અષ્ટાધ્યાયી કહેવાય છે,તથા જેમાં ભગવાન રુદ્ર એટલે કે શિવજીનું વર્ણન હોવાથી ‘રુદ્રી’ કહેવાય છે. આ આઠ અધ્યાયોમાં પ્રથમ અધ્યાયને ‘શિવસંકલ્પ સૂકત’નાં નામે ઓળખવામાં આવે છે. આ અધ્યાયમાં આવતા છ મંત્રોમાં આપણા મનનું સૂક્ષ્મ વર્ણન છે. શાસ્ત્ર અનુસાર બ્રહ્માએ પહેલા માનવીનાં મનની રચના કરી ત્યાર બાદ માનવ શરીરની રચના કરી છે.

*પ્રથમ અધ્યાય* 

પ્રથમ અધ્યાયમાં ઋષિઓ શિવજીને પ્રાર્થના કરે છે. હે શિવજી! અમારું આ ચંચળ મન અનેક પ્રકારનાં તર્ક-વિતર્ક અને વિચારો કરે છે. આપની પૂજામાં સ્થિર બનતું નથી. આપ અમારા આ મર્કટ જેવા મનને સ્થિર કરો, પવિત્ર વિચારોવાળું બનાવો. દરેક મંત્રનાં અંતમાં આવે છે ‘તન્મે મન: શિવસંકલ્પમસ્તુ’ હે શિવ! અમારું મન ઉદાર અને પવિત્ર બનો.

*દ્વિતીય અધ્યાય*

અષ્ટાધ્યાયી રુદ્રીનાં બીજા અધ્યાયને આપણે ‘પુરુષસૂકત’નાં નામે જાણીએ છીએ. આ પુરુષસૂકત ભારત વર્ષનાં દરેક પંડિતો બોલે છે. તેના દિવ્ય મંત્રોથી દેવોની ષોડશોપચાર પૂજા થાય છે. આ પુરુષસૂકતનાં ૧૬ મંત્રોમાં વિષ્ણુ પરમાત્માનાં વ્યાપક સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. ભગવદ્ ગીતામાં જેમ વિષ્ણુ ભગવાનનાં વિરાટ સ્વરૂપનું વર્ણન આવે છે તે જ રીતે આ બીજા અધ્યાયમાં ભગવાનનાં વિરાટ સ્વરૂપનું વર્ણન છે. હે પ્રભુ! આપ ચૌદ બ્રહ્માંડને માપી લીધા પછી પણ આપ એક મુઠ્ઠી જેટલા વધો છો.

*તૃતીય અધ્યાય*

રુદ્રીનાં ત્રીજા અધ્યાયને ‘અપ્રતિરથસૂકત’ કહેવામાં આવે છે. અપ્રતિરથનો અર્થ છે, જેના રથને કોઇ અટકાવી શકતું નથી. સૂર્યનાં રથને કોણ અટકાવી શકે? આ અધ્યાયમાં દેવોનાં રાજા ઇન્દ્રને લગતા મંત્રો છે. હે ઇન્દ્ર! અમે આપના જેવા બળવાન તથા ચપળ બનીએ. અમારામાં નીડરતા અને ચપળતા આવે.

*ચતુર્થ અધ્યાય* 

અષ્ટાધ્યાયી રુદ્રીનાં ચોથા અધ્યાયને ‘મૈત્રસૂકત’ કહેવામાં આવે છે. સૂર્યનું એક નામ મિત્ર છે. સૂર્યની કૃપાથી જ ભૌતિક ક્રિયાઓ થાય છે. વરસાદ, ધન, ધાન્ય, વનસ્પતિ આ બધું સૂર્યકૃપાથી જ આપણને મળે છે. નવ ગ્રહો તથા આપણી પૃથ્વીને પણ સૂર્યમાંથી બળ પ્રાપ્ત થાય છે. સૂર્યનારાયણની ઉપાસનાથી આત્મબળ તથા જ્ઞાન પ્રાપ્ત થાય છે.

*પંચમ અધ્યાય* 

અષ્ટાધ્યાયી રુદ્રીનાં પાંચમાં અધ્યાયને જ ‘રુદ્રી’ કહેવામાં આવે છે, કારણ કે આ અધ્યાયમાં જ કેવળ શિવજીનું વર્ણન આવે છે. આ અધ્યાયને ‘શતરુદ્રીયમ્’ પણ કહેવામાં આવે છે, કારણ કે આ અધ્યાયમાં શિવજીનાં સો સ્વરૂપોનું વર્ણન આવે છે. ‘નમ:સભાભ્ય:’ દેવોની સભામાં સભાપતિ બનીને બેઠેલા, પાર્વતી સાથે બેઠેલા, સ્મશાનમાં બેઠેલા, જટાવાળા, જટા વગરનાં, ઉપદેશ આપતા, કવચ ધારણ કરીને બેઠેલા, આનંદમાં આવીને દુંદુભી વગાડી રહેલા, પારધીનાં રૂપમાં, ભીલનાં રૂપમાં, હિંસક પ્રાણીઓનાં રૂપમાં ભ્રમણ કરતા શિવ. આવા સો સ્વરૂપોનું વર્ણન આવે છે, માટે પાંચમા અધ્યાયને ‘શતરુદ્રીયમ્’ કહેવામાં આવે છે. આ અધ્યાયમાં ૬૬ મંત્રો આવે છે. શિવજીનાં યજ્ઞમાં બીજા અધ્યાય માત્ર એક વાર બોલવામાં આવે છે, જયારે પાંચમો અધ્યાય વારંવાર બોલવામાં આવે છે. આ અધ્યાય ૧૧ વખત બોલવાથી ૧ રુદ્રી ગણાય છે. ૧૨૧ વાર બોલવાથી ૧ લઘુરુદ્ર થયો કહેવાય તથા ૧૩૩૧ વાર બોલવાથી ૧ મહારુદ્ર ગણાય છે. શિવજીને સંહારનાં દેવ માનવામાં આવે છે. માણસનાં મરણ સમયે કફ-તાવ-પિત્તનો હુમલો થાય છે, જીવ ગભરાય છે ત્યારે શિવજી તેને આ પીડામાંથી મુકત કરે છે. હે પ્રભુ! અમને તમારા સંહારરૂપ બાણોથી બચાવો. અમને મૃત્યુનાં મૂળમાંથી મુકત કરીને અમૃતનાં માર્ગે, મોક્ષનાં માર્ગે લઇ જાઓ.

*ષષ્ઠો અધ્યાય*

છઠ્ઠા અધ્યાયમાં ઉગ્ર અને મૃત્યુનાં પાશમાંથી છોડાવનારા, મુકત કરનારા શિવજીનું વર્ણન છે. આ અધ્યાયમાં ભગવાન શિવને ઉત્તમ વૈધ કહેવામાં આવ્યા છે. આ અધ્યાયનું વારંવાર પઠન કરવાથી, શ્રવણ કરવાથી મનુષ્યને અસાઘ્ય રોગમાંથી પણ મુકિત મળે છે, મનોકામના પરિપૂર્ણ થાય છે. શિવજી તેના માટે કોમળ બને છે.

*સપ્તમ અધ્યાય*

રુદ્રીનાં સાતમા અધ્યાયને પંડિતો નમક-ચમક કહે છે. પંડિતો પરસ્પર વાતો કરે, ચાલો ભાઈ નમક ભણો નમક એટલે મીઠું નહી સમજતા અને ચમક એટલે ચમક ચૂનો નહી સમજતા. નમક-ચમક એટલે જે અધ્યાયમાં વારંવાર ચમે ચમે આવે છે તથા નમ: નમ: આવે છે માટે નમક-ચમક કહેવાય છે. આ અધ્યાયનાં મંત્રોમાં ભકત શિવજી પાસે અનેક પ્રકારની વસ્તુઓની માગણી કરે છે. જેમ કે વ્રીહયશ્ચમે જવાશ્ચમે હે શિવ! અમને ઘઉં, ડાંગર, મગ, ચણા જેવા દરેક પ્રકારનાં ધાન્ય મળો, શ્યામંશ્ચમે અમને સોનું, પિત્તળ, લોઢું, પથ્થર પ્રાપ્ત થાઓ. અમને અભયની પ્રાપ્તિ થાય, સુંદર મિત્રો તથા ઉત્તમ સંતાનોની પ્રાપ્તિ થાય, પરંતુ આ બધું અમને તારી કૃપાથી તથા યજ્ઞથી પ્રાપ્ત થાય. મિત્રો કેવી ઉત્તમ ભાવના. ભકત પહેલાં યજ્ઞ કરે છે ત્યાર બાદ પ્રભુ પાસે માંગણી કરે છે.

*અષ્ટમ અધ્યાય*

આઠમા અધ્યાયને શાંતિ અધ્યાય કહેવામાં આવે છે. આ અધ્યાયમાં ઇન્દ્ર, વરુણ, વાયુ, બૃહસ્પતિ, નારાયણ, અગ્નિ આવા અનેક દેવોની પ્રાર્થના છે. શંનો મિત્ર: હે સૂર્ય અમારું કલ્યાણ કરો, શં વરુણ: હે વરુણ અમારું કલ્યાણ કરો, શંનો બૃહસ્પતિ: હે દેવગુરુ બૃહસ્પતિ અમારું કલ્યાણ કરો, શંનો વિષ્ણુરુરુ ક્રમ: હે ત્રણ ડગલાં ભરનાર નારાયણ અમારું કલ્યાણ કરો. આવો આપણે પણ આ બધા દેવોને હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ તથા કલ્યાણની, શાંતિની માંગણી કરીએ.

*ઉપસંહાર* 

આ અધ્યાયમાં શિવજીનાં નામોનો ઉલ્લેખ છે. પંચમુખ શિવજીને અલગ અલગ મંત્રો બોલીને નમસ્કાર કરવામાં આવ્યા છે. શિવજીની મહાપૂજામાં શિવજીનાં પંચમુખની પૂજા થાય છે ત્યારે આ દિવ્ય મંત્રોનું પઠન કર્યા બાદ આરતી થાય છે.

ॐॐॐॐ
ॐ નમ : શિવાય :

Comments

Popular posts from this blog

सप्तमर्यादा: कवयस्तचक्षु: । shastri bhavnagar