ડોંગરેજી મહારાજ ની જન્મજયંતિ

આપણી ઘરોહર આપણી સંસ્કૃતિ
*ડોંગરેજી મહારાજ ની જન્મજયંતિ આજે ફાગણ સુદ ત્રીજ  નિમિત્તે શત શત નમન* 
ડોંગરેજી મહારાજ નું જીવન 
૧૯૪૮ની સાલ.
વડોદરામાં લક્ષ્મણ મહારાજના જંબુબેટ મઠમાં એક કથાકારે જીવનની પહેલી કથા કરી. 
શ્રીકૃષ્ણ કથા પરનું તેમનું વક્તવ્ય શ્રોતાઓને ઝંકૃત કરી ગયું. 
કથાકારનું નામ રામચંદ્ર કેશવ ડોંગરે. 
માતાનું નામ કમલાતાઈ. પિતાનું નામ કેશવ ગણેશ ડોંગરે. 
અહલ્યાબાઈ હોલકરની પુણ્યનગરી ઈન્દૌરમાં ફાગણ સુદ ત્રીજ ને તા. ૧૫-૨-૧૯૨૬ના રોજ મોસાળમાં જન્મેલા રામચંદ્ર કેશવ ડોંગરેના પિતા સ્વયં વેદશાસ્ત્રના પંડિત હતા. 
પિતા જ પ્રથમ ગુરુ. વેદ-પુરાણ, ન્યાય, તર્ક, દર્શન ઈત્યાદિનો અભ્યાસ તેમણે વારાણસીમાં કર્યો. અમદાવાદના સંન્યાસ આશ્રમમાં અને પૂનામાં સંસ્કૃતનો અભ્યાસ કર્યો.
વારાણસીમાં પવિત્ર ગંગાતટે શાસ્ત્રાભ્યાસ દરમિયાન જ મનમાં વૈરાગ્ય પેદા થયો. 
આમ છતાં માતાના આગ્રહથી શાલિનીબાઈ સાથે વિવાહ કર્યા. 
૨૪ વર્ષના પ્રસન્ન દાંપત્ય બાદ પત્નીએ અલગ નિવાસ કર્યો. 
વારાણસીમાં જ શ્રી નરસિંહ મહારાજે તેમને શ્રીમદ્ ભાગવતનું અમૃતપાન કરાવવાની દીક્ષા-પ્રેરણા આપી. એ કથાકાર ડોંગરેજી મહારાજના નામે આખા દેશમાં પ્રચલિત થયા. ભારતભરમાં તેમણે ૧૧૦૦થી વધુ ભાગવત કથાઓ કરી, પરંતુ કથામાંથી પ્રાપ્ત થતું ધન એમણે કદી સ્વીકાર્યું નહીં. જે ભંડોળ આવ્યું તે ગૌશાળા, મહાવિદ્યાલય, હોસ્પિટલ, અન્નક્ષેત્ર, મંદિરોનો જીર્ણોદ્ધાર, અનાથાશ્રમ અને કુદરતી સંકટો વખતે આફતમાં સપડાયેલા લોકો માટે વપરાયું.
પૂજ્ય ડોંગરેજી મહારાજ અંતર્મુખી સંત હતા. કથા કરતી વખતે હંમેશાં આંખો નીચી જ રાખતા. સ્વયં સાદગીપૂર્ણ જીવન જીવ્યા. કથાઓ આનંદ કે મનોરંજન માટે નથી એમ કહી સૌને સાવધાન કરતા. તેમની કથામાં આત્મબળ, શાસ્ત્રજ્ઞાાન અને અનુભવનો રણકો રહેતો. તેઓ જે કહે તેનું પહેલાં આચરણ કરતા, પછી જ ઉપદેશ આપતા. જિંદગીભર પોતે કોઇનાય ગુરુ થયા નહીં. સદા ઈશ્વરને જ ગુરુ કહેતા. તેમની કથાથી એકત્ર થયેલા ભંડોળમાંથી મંદિરનું નિર્માણ થાય તોપણ પોતાના હાથે મૂર્તિપ્રતિષ્ઠા થવા દેતા નહી. મૂર્તિપ્રતિષ્ઠા પછી નિત્ય દેવપૂજા ન થાય, ભગવાનને થાળ ન ધરાવાય, મંદિરમાં પૂજારીની વ્યવસ્થા ન થાય તો મૂર્તિપ્રતિષ્ઠા કરનારને પાપ લાગે તેમ તેઓ કહેતાં.
પૂજ્ય ડોંગરેજી મહારાજની જીવનશૈલી સરળ હતી. સદા જપ કરે, મૌન રહે, ખપપૂરતું જ બોલે. એમનાં કે એમની કથાનાં કોઈ વખાણ કરે તો તેમને ગમતું નહીં. તેઓ કહેતાં, સિદ્ધિ-પ્રસિદ્ધિ પતન છે. 
તેઓ કહેતાં: ભગવાને જ વિના કારણે મારી યોગ્યતા કરતાં વધુ માન મને આપ્યું હોઈ હવે માન-સન્માનમાં ફસાવું નથી. એમ કહી તેઓ પોતાનું બહુમાન થવા જ દેતા નહીં. તીર્થયાત્રા વખતે નિયમ પ્રમાણે વ્રત-ઉપવાસ અને દેવપૂજા કરતા. કથાના આગલા દિવસે સ્થળ પર પહોંચી જતા. કથા એક જ પક્ષમાં પૂરી થાય તે રીતે કરતા. કથા માટે એક યજમાન જ તેમને લઈ આવે અને મૂકી આવે તેવી વ્યવસ્થા ગોઠવતા. પોતાની સાથે એક જ અનુકૂળ બ્રાહ્મણ રાખતા.
પોતાના નામની કે ફોટાની પ્રસિદ્ધિ થવા દેતા નહીં. પોતાની કથાઓથી એકઠી થયેલી ધનરાશિમાંથી દાન કરવા છતાં પોતાનું નામ ક્યાંય આવવા દેતા નહીં. દાન-સખાવત, ટ્રસ્ટ એવું કોઈ માળખું તેમણે ઊભું કર્યું નહીં, યાદી પણ કરી નહીં. બધું જ પરમાત્માએ કર્યું અને પરમાત્મા જ કરાવે છે એવી ભાવનાથી કર્યું. સાદું સંતજીવન જીવ્યા. ઇચ્છાઓ ઊઠવા જ દીધી નહીં. સંકલ્પો કર્યા જ નહીં, કોઈ સ્પૃહા રાખી જ નહીં. દેહ, ત્રેહ, પત્ની, પરિવારની આસક્તિ પણ ન રાખી. કોઈ વિશેષ સ્થળ પસંદ કરી ત્યાં જ રહેવું એવું તેમને પસંદ નહોતું. પોતે પુજાય અને તેમનો પ્રચાર થાય તેવું તેમણે કદીયે ઇચ્છયું નહીં.
બહોળો શિષ્યસમુદાય હોવા છતાં તેઓ સ્વયંપાકી રહ્યાં. પોતાની રસોઈ પોતે જ બનાવી લેતા અને તે પણ ખીચડી કે બીજું સાદું ભોજન. ભોજનમાં પણ બે જ વસ્તુ લેતા. પોતાનું કાર્ય જાતે જ કરી લેતા. તબિયત સારી ન હોય તોપણ કોઈ તેમનું માથું દબાવે કે પગ દબાવે તેવું થવા દેતા નહીં. સીવ્યાં વગરનાં બે વસ્ત્રો-ધોતી, ઉપવસ્ત્ર, ટૂંકાં વસ્ત્રો-લંગોટી આથી વધુ વસ્ત્રો રાખતા નહીં. સંગ્રહથી દૂર હતા. વસ્ત્ર જીર્ણ થઈ જાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરતા. જીવનભર કથા કરવા કે તીર્થયાત્રા કરતાં ભ્રમણ કરતા રહ્યાં, પરંતુ પોતાનું કોઈ કાયમી સરનામું રાખ્યું નહી. કોઈનીયે સાથે પત્રવ્યવહાર કર્યો નહીં. પત્રવાંચનથી પણ દૂર રહ્યા. તેઓ જ્યાં પણ કથા કરે ત્યાં તેમની કથાના વિસ્તૃત અહેવાલો સ્થાનિક અખબારોમાં પ્રગટ થતા, પરંતુ સ્વયં અખબારવાંચનથી દૂર રહ્યા. એકમાત્ર 'કલ્યાણ'ના અંકો તેઓ વાંચતા. વ્યક્તિગત વખાણથી દૂર રહ્યા. વખાણવા યોગ્ય તો ભગવાન જ છે તેમ તેઓ કહેતાં. કોઈનેય સહી કે હસ્તાક્ષર ભાગ્યે જ આપતા.
કથા કરતી વખતે કોઈ તસવીરકાર તેમને વ્યવસ્થિત થવા કે સામે જોવાનું કહે તો તેમ થવા દેતા નહી. વ્યાસપીઠ પર બેઠા પછી કોઈ તસવીરકારને જોતાં જ તેઓ નીચું જોઈ જતા. ચાલુ કથાએ કોઈ તસવીરકારને ફરકવા દેતા નહીં, ટેપ કે વીડિયોગ્રાફી પણ થવા દેતા નહીં. કોઈ તેમની મુલાકાત લે, તેમની સાથે પ્રશ્નોત્તરી કરે, જીવનની વિગતો પૂછે, કોઈ નોંધ કરતું હોય તો તેઓ સાવધાન થઈ જતા. વાત બંધ કરી દેતા. તે વાત અખબારમાં ન આપવા કહેતા. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વિષય પર તેમનો અભિપ્રાય પૂછે તો તેઓ તેનાથી દૂર થઈ જતા. પોતાનાં વખાણ થવા દે નહીં અને અન્યનાં વખાણ પોતે કરતા નહીં. કોઈનો સેવાભાવ કે ભક્તિભાવ કે કર્મઠતા જુએ તો તેના વિશેે સારા શબ્દો વાપરે પણ કોઇની પ્રશંસા કરવાથી પોતાના પર અને બીજા પર માઠી અસર થાય છે તેમ તેઓ માનતા. કોઈનોય વિશેષ પરિચય કરાવતા નહીં અને કોઈનેય વિશેષ સગવડ આપવાની ભલામણ કરતા નહીં.
દિવસે આરામ નહીં. પ્રાતઃકાળથી સાયંકાળ સુધીનો નિત્યક્રમ-ત્રિકાલ સંધ્યા પડે નહીં. તેનો ખ્યાલ રાખતા. ઘરનાં દ્વાર સદા ખુલ્લાં રાખતા. કઠોર દિનચર્યાવાળું જીવન જીવ્યા. પ્રભુની સન્મુખ રહેવામાં દિવસ પસાર કરતા. ખુલ્લી કિતાબ જેવું જીવન જીવ્યા. ખૂબ પુજાયા અને અત્યંત લોકપ્રિય થયા, પરંતુ તેમની વિનમ્રતા અદ્વિતીય રહી. કંચન અને કામિનીથી જીવનભર દૂર રહ્યાં. વિદેશપ્રવાસ પણ તેમને શાસ્ત્ર-ધર્મ વિરુદ્ધ લાગતો. એક વાર બનારસના સંપૂર્ણાનંદ વિશ્વવિદ્યાલય, ગુજરાત યુનિર્વિસટી, સરદાર પટેલ યુનિર્વિસટીના કુલપતિઓ અને સંતો-વિદ્વાનોની વચ્ચે તેમને મહામહોપાધ્યાયની ઉપાધિ આપવામાં આવી ત્યારે તે વખતે તેઓ સંસ્કૃતમાં પ્રતિભાવ આપવાના હતા અને પોતાની અલ્પતા-વિનમ્રતા વ્યક્ત કરવાના હતા, પરંતુ સન્માનથી સંકોચ અનુભવતા લાખો શ્રોતાઓ વચ્ચે માત્ર ગદ્ગદિત જ બન્યા, બોલ્યા જ નહીં. એ જ એમની સાચી વિનમ્રતા હતી. એ જ એમનો સાચુકલો સંકોચ હતો. પૂજ્ય ડોંગરેજી મહારાજની વાણી પણ અમૃતમય હતી. તેઓ કહેતાં: "શ્રીકૃષ્ણનાં દર્શન કરવાથી માનવજન્મ સફળ થાય છે. પરમાત્માએ માનવીને જ એવી શક્તિ આપી છે, એવી બુદ્ધિ આપી છે કે માનવી તેનો સદુપયોગ કરે, ભગવાન માટે કરે તો મૃત્યુ પહેલાં એને પરમાત્માનાં દર્શન થાય છે. ઘણાં લોકો બુદ્ધિનો ઉપયોગ પૈસા માટે અને શક્તિનો ઉપયોગ ભોગ માટે કરે છે. તેથી અંતકાળમાં તે બહુ જ પસ્તાય છે. શક્તિ અને બુદ્ધિ પરમાત્મા માટે છે. આ દુર્લભ માનવશરીર પામીને પરમાત્માનાં દર્શન માટે જે પ્રયત્ન કરતો નથી તે જીવ પોતાની જ હિંસા કરે છે. આવા માણસને ઋષિઓએ આત્મહત્યારો કહ્યો છે."
તેઓ કહે છેઃ "માનવી સિવાય કોઈનેય ભગવાનનાં દર્શન થતાં નથી. સ્વર્ગમાં રહેલા દેવોને પણ ભગવાનનાં દર્શન થતાં નથી. સ્વર્ગમાં રહેલા દેવો અતિ સુખી છે, પણ તેમના સુખનો પણ અંત આવે છે. સંસારનો નિયમ છે કે જ્યાં સુખ છે ત્યાં દુઃખ ભોગવવું જ પડે છે. સ્વર્ગના દેવો આપણા કરતાં વધુ સુખ ભોગવતા હોવા છતાં તેમને શાંતિ નથી. શાંતિ તો પરમાત્માનાં દર્શનથી જ પ્રાપ્ત થાય છે. તેથી દેવો પણ એવી ઇચ્છા રાખે છે કે એમને ભારતવર્ષમાં જન્મ મળે. ભારત એ ભક્તિની ભૂમિ છે. સ્વર્ગમાં નર્મદાજી નથી. સ્વર્ગમાં ગંગાજી નથી. સ્વર્ગમાં સાધુ-સંન્યાસી નથી. સ્વર્ગમાં બધા ભોગી જીવો જ છે. સ્વર્ગ એ ભોગભૂમિ છે. જેણે બહુ પુણ્ય કર્યું હોય તે સુખ ભોગવવા સ્વર્ગમાં જાય છે, પરંતુ સ્વર્ગ કરતાં ભારતની ભૂમિ વધુ શ્રેષ્ઠ છે, કારણ કે દેવો ભક્તિ કરી શકતા નથી. ભક્તિ કરવા માટે માનવદેહ જોઇએ. પાપ છોડીને માનવી ભક્તિ કરે તો મૃત્યુ પહેલાં ભગવાનનાં દર્શન થાય છે. આજે ઘણાં લોકો કહે છે કે, "હું મંદિરમાં જઈ ત્રણ વાર દર્શન કરું છું." પણ ભગવાન કહે છેઃ "વત્સ! તું મંદિરમાં જઈ ત્રણ વાર મારાં દર્શન કરે છે, પરંતુ તને ખબર નથી કે હું ચોવીસે કલાક તારાં દર્શન કરું છું." ભગવાન આખો દિવસ સર્વેને જુએ છે."
તેઓ કહે છેઃ "તમે કોઈનું અપમાન કરશો તો જગતમાં તમારું અપમાન થશે. તમે કોઈની સાથે કપટ કરશો તો તમને છેતરનાર જગતમાં પેદા થશે. આ સંસાર કર્મભૂમિ છે. જેવાં કર્મ કરશો તેવાં ફળ મળશે. આજથી એવો નિશ્ચય કરોઃ આ જગતમાં મારું કોઈએ બગાડયું નથી. કોઈએ પણ મને દુઃખ આપ્યું નથી. મારા દુઃખનું કારણ મારું પાપ છે. તમારો શત્રુ જગતમાં નથી. તમારો શત્રુ તમારા મનમાં છુપાયેલો છે. મનમાં રહેલો કામ એ જ તમારો શત્રુ છે. બહારના એક શત્રુને મારશો તો બીજા દસ ઊભા થશે. તમારી અંદર રહેલા શત્રુને મારશો જગતમાં તમારો કોઈ શત્રુ રહેશે નહીં."
આવું અદ્વિતીય જ્ઞાાન બક્ષનારા પૂજ્ય ડોંગરેજી મહારાજ કારતક વદ છઠ તા. ૮-૧૦-૧૯૯૦ના રોજ બ્રહ્મલીન થયા. એ જ દિવસે માલસર ખાતે નર્મદાજીના પ્રવાહમાં સાંજે તેમને જળસમાધિ આપવામાં આવી. આજે માનવદેહ રૂપે આપણી સમક્ષ પૂજ્ય ડોંગરેજી મહારાજ હયાત નથી, પરંતુ જેમણે તેમને સદેહ જોયા છે અને સાંભળ્યા છે એ તમામને તેમનો કૃષ્ણપ્રેમ, જનશક્તિનું બ્રહ્મતેજ અને તેમના તેજસ્વી લલાટનું સ્મરણ છે, જાણે કે પૃથ્વી પર સાક્ષાત્ સૂર્યનારાયણ ઊતરી આવ્યા ન હોય!
🙏🙏🙇🏻‍♂️🙏🙏

Comments

Popular posts from this blog

કર્મકાંડી બ્રાહ્મણ મિત્રો ની ટ્રસ્ટ મંડળ ની વાર્ષિક મિટિંગ આયોજન સિહોર ભાવનગર

અષ્ટલક્ષ્મી સ્તોત્ર spritualshastri

मंगल गीतम spritualshastri