ધાર્મિક વિધિ અને લોકાચાર. જય સનાતન.
*ધાર્મિકવિધિ અને લોકાચાર*
વાચક મિત્રોને જણાવવાનું કે પ્રસ્તુત મારો લેખ કોઈ જ્ઞાતિ, ધર્મ, ભાષા, રાજકારણ કે સંપ્રદાયના સંદર્ભમાં બિલકુલ નથી, છેલ્લા ઘણા સમયથી પ્રિન્ટ મીડિયામાં અને સોશિયલ મીડિયામાં ચાલતી 'કુરિવાજ', 'કુપ્રથા' નાબૂદીની ક્રાંતિમાંથી 'ધાર્મિકવિધિ અને લોકાચાર' ના ભેદોને સ્પષ્ટ કરી સમાજની અમુક અજ્ઞાનતાઓને દૂર કરી હિન્દૂ ધર્મશાસ્ત્રોનો મત પ્રસ્થાપિત કરવાનો એક નાનો પ્રયાસ છે માટે પ્રસ્તુત મારા લેખને કોઈ જ્ઞાતિ, ધર્મ, ભાષા, રાજકારણ કે સંપ્રદાય જેવી સંવેદનશીલ બાબતો સાથે જોડીને કોઈ પૂર્વગ્રહ રાખી સત્યથી વિમુખ થવાનો પ્રયાસ કરશો નહિ.
વિશ્વની સહુથી પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ એટલે ભારત, સંસ્કૃતિ, સંસ્કારો, સભ્યતા, ધાર્મિકતા અને નૈતિકમૂલ્યોના આધારે આજે ભારત સમગ્ર વિશ્વમાં વિશેષ સ્થાન ધરાવે છે. હિન્દૂધર્મમાં ૧૬ સંસ્કારો છે અને તેમનો એક સંસ્કાર છે 'અન્ત્યેષ્ટિ સંસ્કાર'. હિન્દૂ ધર્મગ્રંથોમાં આ સંસ્કાર અંતર્ગત મૃતક પાછળ ૧૩ દિવસ સુધીની ધાર્મિકવિધિ , માસિકશ્રાદ્ધ, સંવત્સરી શ્રાદ્ધ મહાલય શ્રાદ્ધ ( શ્રાદ્ધમાં ભળવાની વિધિ) નું મહત્વ શ્રી ગરુડ પુરાણ તેમજ અન્ય ધર્મગ્રંથોમાં દર્શાવેલું છે.
હવે મુખ્ય વિષય તરફ શીર્ષકને કેન્દ્રમાં રાખી સર્વપ્રથમ ધાર્મિકવિધિનું મહત્વ સમજીએ. હિન્દૂ ધર્મની મહત્તમ ધાર્મિકવિધિમાં વિજ્ઞાન અને આયુર્વેદની ચમત્કૃતિ અવશ્ય જોવા મળશે કારણકે વેદ સંશોધન નો વિષય છે વાગોળવાનો નહિ. આજે સમાજમાં ઘણા એવા બુદ્ધિવાદીઓ છે જે પોતાની અજ્ઞાનતા, આંધળા અનુકરણ અને પૂર્વગ્રહના લીધે ધાર્મિક વિધિઓના ખોટા અર્થઘટનો કરી રહ્યા છે. સ્ત્રી કે પુરુષના મૃત્યુ પછી ૧૩ દિવસ સુધીનું વિધાન શાસ્ત્રોમાં નિર્દેશિત છે ( વર્તમાન સમયમાં એકાદશા અને દ્વાદશાની વિધિ એકાદશાના દિવસે અને શ્રવણીની વિધિ બારમા દિવસે કરે છે.) મૃત્યુ પછી ષટ્પિંડીવિધિ ( શબ સ્થાન થી ચિતા સ્થાન સુધીમાં ૬ પિંડ મુકવાની વિધિ શાસ્ત્રોમાં દર્શાવેલ છે) સ્મશાનમાં અન્ત્યેષ્ટિ સંસ્કાર ફરજીયાત કરવાનો હોય છે , 'મુખાગ્નિ' આપ્યાના દિવસથી દશગાત્ર વિધિનું વિધાન કરવું જેમાં ચોથા દિવસે અસ્થિસંચય કરી તીર્થક્ષેત્રે અસ્થિવીસર્જન શાસ્ત્રોક્ત વિધાનથી કરવું.
દશગાત્ર વિધિ પૂર્ણ થાય પછી અગિયારમાં દિવસે 'એકાદશા' ની વિધિ કરવાની હોય છે આ વિધિમાં ભગવાન સત્યેશની સુવર્ણમૂર્તિનું ષોડશોપચાર પૂજન, વૈષ્ણવ શ્રાદ્ધ અને પંચ નારાયણ બલીનું કર્મ કરવાનું હોય છે.આજે સમાજમાં મહત્તમ લોકોને પ્રેત અને પિતૃઓના વચ્ચે રહેલા તફાવતનો ખ્યાલ છે જ નહિ. પંચ નારાયણ બલીની વિધિ પછી ' વૃષોત્સર્ગ ' કર્મ કરવાનું હોય છે આ વિધિમાં જો શક્ય હોય તો સાક્ષાત્ વાછડા-વાછડીનું પૂજન કરવું અને જો તેવું શક્ય ન બને તો દર્ભ (દાભળા) ના વાછડા- વાછડી બનાવી તેમનું વેદોક્ત પૂજન કરવું આ વિધિ કર્યા પછી આદ્યશ્રાદ્ધ ની વિધિ કરવી શ્રાદ્ધકર્તા એ વિધિના અંતે યથાશક્તિ પંચદાન ( ગૌદાન, સુવર્ણ દાન , અન્નદાન, ભૂમિદાન, વસ્ત્રદાન ) ઘૃતદાન, શય્યાદાન અને સપ્તધાન આપવાનું હોય છે.
દ્વાદશાના (બારમાના દિવસે) 'સપિંડીકરણ' ની વિધિ કરવાની હોય છે. મૃતકના પિતા, પિતામહ, પ્રપિતામહ એમ ત્રણ પેઢીનું નામ એવમ ગોત્રોચ્ચાર કરી પિંડ સંયોજન કરવાનું હોય છે. ધર્મ શાસ્ત્રાનુસાર દ્વાદશાની વિધિ કર્યા પછી જ 'સુતક' માંથી મુક્તિ મળે છે. આ વિધિના અંતમાં યથાશક્તિ પદદાન ( છત્રી,બુટ,ચંપલ, વસ્ત્ર, મુદ્રિકા, કમંડળ, આસન, પંચપાત્ર, દંડ, તામ્રપાત્ર , કાચું અન્ન , ભોજન, અર્ઘ્યપાત્ર , યજ્ઞોપવીત),પંચદાન એવમ શય્યાદાન આપવું જોઈએ.
ત્રયોદશાની (તેરમાની) વિધિમાં શ્રવણી પૂજન કરવાનું હોય છે ( સમયાંતરે શબ્દ અપભ્રંસ થતા 'સરવણી', 'સરણવું' જેવા શબ્દો પ્રચલિત થયા). માટીનો પાણીનો ઘડો રાખી ત્યાં ભગવતી લલિતા દેવીનું સ્થાપન, પૂજન કરવાનું હોય છે. આ વિધિ પૂર્ણ થયા પછી પાક્ષીક શ્રાદ્ધ, માસિક શ્રાદ્ધ , વાર્ષિક શ્રાદ્ધ ( સાંવત્સરિક શ્રાદ્ધ) સમયાંતરે કરવાના હોય છે ( જોકે વર્તમાન સમયમાં મહત્તમ શ્રવણીના દિવસે આ તમામ શ્રાદ્ધ શાસ્ત્રોક્ત વિધિથી કરી લે છે ). ત્રીજા વર્ષે શ્રાદ્ધમાં ભેળવવાની વિધીને 'મહાલય શ્રાદ્ધ ' કહે છે જેમાં ત્રણ પેઢીનો ગોત્રોચ્ચાર કરી નિત્ય તર્પણ કર્યા પછી ' પિતૃસૂક્ત'ના પાઠ કરવાના હોય છે. મૃતક પાછળ કરવામાં આવતી તમામ વિધિ અને શ્રાદ્ધ પછી યથાશક્તિ બ્રાહ્મણ ભોજન, કુમારિકા ભોજન, બટુક ભોજન, બાંધવ ભોજન અને અતિથિ ભોજન કરાવવું એ શાસ્ત્રની આજ્ઞા છે..
આપણી દરેક ધાર્મિક વિધિમાં વિજ્ઞાન અને આયુર્વેદ કોઈને કોઈ રીતે સંકળાયેલું છે બસ આપણી અજ્ઞાનતા અને યોગ્ય વાંચનના અભાવને કારણે તેનું યોગ્ય સંશોધન કરી શકતા નથી. લેખની મર્યાદાને કેન્દ્રમાં રાખી મૃતક પાછળ કરવામાં આવતી શાસ્ત્રોક્ત વિધિ અને શ્રાદ્ધનો અતિ સંક્ષિપ્ત પરિચય આપી મુખ્ય મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો છે બાકી આ વિષય પર બધાજ ધર્મગ્રંથોનો આધાર લઇ લખવા બેસીએ તો કદાચ Ph.D. ના મહાનિબંધ જેટલું વિસ્તૃતિકરણ થઇ શકે તેમ છે..
*લોકાચાર*
લોકાચાર એ માનવીય અનુકૂળ વ્યવહારોની વ્યવસ્થા છે. લોકાચાર એ કોઈ ધર્મ નથી માટે સમાજની દરેક જ્ઞાતિઓમાં ચાલતા વિવિધ લોકચોરોને ધાર્મિક વિધિ સાથે તુલના કરવી તે ખરેખર આપણી વિવેકબુદ્ધિ સાથે છેતરપીંડી કરવા જેવી વાત છે. આજે સમાજમાં એટલી હદ સુધી માન્યતાઓ , લોકાચાર અને અંધશ્રદ્ધાઓ વધી ગયી છે કે શાસ્ત્રોક્ત મૂળ વિધાનનું મહત્વ જ ઘટવા લાગ્યું છે. મૃતકને ઘરેથી સ્મશાન સુધી લઇ જવામા લોકાચાર, અંતિમ સંસ્કારમાં લોકાચાર, અસ્થિસંચય અને વિસર્જન માં લોકાચાર, મુંડન વિધિ (સુવાળું)માં લોકાચાર , ત્રયોદશા સુધીની વિધિમાં લોકાચાર.... આ બધાની સાથે- સાથે ખુબ દુઃખ સાથે કહેવું પડે છે કે આજે સમાજમા ઘણો એવો પણ વર્ગ છે જે પોતાની અજ્ઞાનતાની કરવત વડે ધાર્મિક વિધિઓમાં કાપ મૂકી *ટૂંકું કરવામાં* ગૌરવ અનુભવે છે..
હવે મુખ્ય બાબત કુરિવાજ અને લોકાચાર વિષે તો આજે સમાજમાં આ વિષયમાં ઘણા ભ્રમ રહેલા છે. શાસ્ત્રના આદેશાનુસાર મૃતક પાછળ *યથાશક્તિ* બ્રહ્મભોજન, અતિથિભોજન ઇત્યાદિ કરાવવાનું હોય છે પરંતુ આજે સમાજના ઘણા લોકો તેમના વ્યવહાર, પદ, પ્રતિષ્ઠા અને સંબંધો પ્રમાણે ભોજન કરાવતા હોય છે જ્યારે સમાજનો ઘણો એવો પણ વર્ગ છે જે આ જમણવાર કરાવવામાં અસક્ષમ છે. શાસ્ત્રોમાં યથાશક્તિનું સૂચન કહેલું છે જે ભૂલવું ન જોઈએ. મૃતક પાછળ કરવામાં આવતી લાણી, દીકરી તરફથી થતું દાન વગેરે જેવી બાબતો લોકાચાર છે કોઈ ધાર્મિકવિધિ નથી..
સામાજિક કુરિવાજો અને કુપ્રથાઓ દૂર કરનાર એ ક્રાંતિકારી વિચારધારા સાથે હું સંપૂર્ણ સહમત છું અને ખરેખર આ લોકાચાર બંધ થવા જોઈએ, સામાન્ય પરિસ્થિતિમાં જીવતા લોકો માટે આ ક્રાંતિ આશીર્વાદ બની રહેશે પરંતુ સાથે- સાથે આ ક્રાંતિકારી વિચારધારકોને એક નમ્ર નિવેદન પણ કરું છું કે હિન્દૂ ધર્મશાસ્રોના આદેશોનું ઉલ્લંઘન કરનાર અને *ટૂંકું કરવાની* અશાસ્ત્રીય કુપ્રથાઓને પણ બંધકરી મૃતક પાછળ શાસ્ત્રોક્ત વિધાનનો આગ્રહ રાખીયે . આવું કરવાથી આપણા ધર્મનું રક્ષણ પણ થશે અને તૂટેલા સામાજિક વ્યવહારો પણ પુનઃ સ્થપાશે જેના પરિણામે મૃતકના પરિવારને એ દુઃખદ પરિસ્થિતિમાં એક હૂંફ મળશે , હિમ્મત મળશે...
આજે સમાજમાં મેં એવા ઘણા બધા લોકો જોયા છે જે અધૂરા ઘડાની જેમ વધારે છલકાય છે અને એવી ડંફાસો હાંકતા હોય છે અને પોતાની અજ્ઞાનતાને પ્રદર્શિત કરતા હોય છે - ' જીવતા માં - બાપની સેવા કરી લેવાય મર્યા પછી આવું કંઈ ન કરાય' , 'અત્યારે જીવતા હોય ત્યારે પેટ ભરીને જમાડી દેવાય મર્યા પછી *શ્રાદ્ધ* કરવાનું ન હોય' ,જોકે આવું બોલનાર મોટા ભાગના લોકોએ પોતાના માતા- પિતાને કોઈ દિવસ પાણી ભરીને પણ ન પાયું હોય અને કાંતો વૃદ્ધાશ્રમમા તેના માતા-પિતા હોય છે.( આ કડવું સત્ય મારા જીવનના વ્યક્તિગત અનુભવોમાંથી લખું છું માટે આ ટિપ્પણીને સાર્વજનિક સમજી ખોટા અર્થઘટનો ન કરશો).
રહી વાત શ્રાદ્ધની તો મર્યાદા પુરુષોત્તમ ભાગવાન શ્રી રામે પણ તેના પિતાની પાછળ શ્રાદ્ધ કરેલું છે, ભગવાને માનવદેહે જન્મ લઇ શાસ્ત્રોના કોઈ નિયમોનું ઉલ્લંઘન નથી કર્યું પણ આજનો માનવ...............
અંતે એ તમામ ક્રાંતિકારી વિચારધારકોને એક નમ્ર નિવેદન કરું છું કે કુપ્રથાઓ, કુરિવાજો , લોકાચાર વગેરે આ એકજ વિધિમાં શું કામ ? અમીર - ગરીબ ની તુલના આમાંજ શું કામ? લગ્નપ્રસંગોમાં થતા બિનજરૂરી અને ફાલતુ ખોટાખર્ચા કરવાનું બંધ કરી ગરીબોના કલ્યાણનું પણ વિચારીએ, દામ્પત્યજીવનનો મુખ્ય આધાર વિવાહસંસ્કાર છે તો આ સંસ્કારમાં આટલી બધી ઉતાવળ શું કામ ? ખુબજ ભગ્ન હૃદયે લખવું પડે છે કે સમાજમાં પોતાની પ્રતિષ્ઠા દેખાડવામાં, ખોટી દેખા - દેખીમાં , ખોટા વાદ - વિવાદમાં આજનો હિન્દૂ સમાજ ૧૬ સંસ્કારોથી વિમુખ બન્યો છે..
પુનઃ વાચકોને નમ્ર નિવેદન છે મારા લેખનો ઉદેશ્ય માત્ર ને માત્ર 'ધાર્મિકવિધિ અને લોકાચાર ' વચ્ચે રહેલી અજ્ઞાનતાને દૂર કરવાનો છે માટે ખોટી ધારણાઓ રાખી સત્યથી વિમુખ થવાનો પ્રયાસ ન કરશો . પ્રસ્તુત લેખમાં કોઈ સૂચન કે માર્ગદર્શન આવકાર્ય છે , વાંચકગણને ધર્મશાસ્ત્રમાં કોઈ પ્રશ્ન હશે તો શાસ્ત્રોના આધારે પુરી પ્રામાણિકતાથી ઉત્તર આપવાનો પ્રયત્ન અવશ્ય કરીશ કારણકે આપણા ધર્મગ્રંથોનું જ્ઞાનતો વિશાળ સમુદ્ર જેવું છે છતાં આપણું પશ્ચિમી આંધળું અનુકરણ આવનાર પેઢીને હજુ વધારે દુઃખદાયી કરશે. સમગ્ર વિશ્વ જયારે દુઃખી હોય છે ત્યારે આપણે આપણાં શાસ્ત્રોના આદેશાનુસાર વિધિ - વિધાન અને જીવન પદ્ધતિ દ્વારા સ્વસ્થ જીવન વિતાવી રહ્યા છીયે. આપણાં પૂર્વજો વગર દવાએ ૧૦૦ કે તેથી પણ વધારે સ્વસ્થ આયુષ્ય ભોગવતા હતા આજે વર્તમાન જીવન પદ્ધતિના કારણે લોકો ૭૦ કે તેથી પણ અલ્પ આયુષ્ય વાળા બની ગયા છે.....
સમાજમાં રહેલા લોકાચારો, અંધશ્રદ્ધાઓ, કુરિવાજો વહેલી તકે દૂર થાય તેવી ભગવતી માઁ અંબાના શ્રીચરણોમાં પ્રાર્થના સાથે....
જય અંબે
જય સોમનાથ
*મુખ્ય સંદર્ભગ્રંથ* :-
◆ગરુડ પુરાણ
◆બ્રહ્મનિત્યકર્મસમુચ્ચય
◆ શ્રીનૈમિત્તિકકર્મપ્રકાશ
*શાસ્ત્ર સંશોધક એવમ માર્ગદર્શક*
*શાસ્ત્રી ડૉ. તુષાર હરસુખલાલ પંડ્યા (દીક્ષિત -ખરેડીવાળા)*
M.A., B.Ed., M.Phil.(સૌ.યુનિ.ફર્સ્ટ રેન્ક), Ph.D. - સંસ્કૃત.
પૂજારી શ્રીઅંબાજી મંદિર ,
કર્મચારીનગર લાલપુર બાયપાસ ,
જામનગર
મો. ૯૯૭૯૬ ૨૬૫૦૨
શાસ્ત્રીજી ભાવનગર.
૮૩૪૭૩૨૦૬૮૧.
આ વાત થી સહમત દરેક વિપ્ર વૃંદ આ મેસેજ ને લોકો માં વેહતું કરે અને સહમતી માટે પોતાનું નામ પણ લખે.
Comments